1
અલ્લાહ ને રસૂલ નો પ્યારો હુસયન છે.
હૈદર ને ફાતેમા નો દુલારો હુસયન છે.
મેહબૂબે કિબ્રીયા નો નવાસો હુસયન છે.
ઇસ્લામે મુસ્તફા નો ખુલાસો હુસયન છે.
સૂરજ ને ચાંદ મેળવે જેનાથી રોશની.
એવો ખુદા ના નૂર નો દર્યો હુસયન છે.
મેહશર સુધી એ રાખશે નૂરાની વિશ્વ ને.
ડૂબે કદી ન એવો સિતારો હુસયન છે.
ડરજે નહી તુ જુલ્મ થી હક રાહ પર રહી.
તડકો સિતમ નો હોય ત્યાં છાયો હુસયન છે.
થાજે નહી નિરાસ તુ અન્યાય થી કદી.
બસ યાદ રાખ ન્યાય નો પાયો હુસયન છે.
ડર લાગતો નથી મને તોફાન નો હવે.
મઝધાર મા ય મારો કિનારો હુસયન છે.
ફિરકા કબીલા કૌમ ના ઝગડા કરીદે બંધ.
તારો ને મારો કર નહી સૌનો હુસયન છે.
ધર્મો અલગ અલગ છે મનુષ્યો ના તે છતા.
સંસાર ના હ્યદય મા સમાણો હુસયન છે.
નવશાદ જાગી જાવા દે ઇન્સાન ને જરા.
હર એક કોમ કેહશે અમારો હુસયન છે.
નવશાદ બિજાની
2
ડૂબે કદી ન એવો સિતારો હુસૈન છે.
ડુબતા ને તારે એવો કિનારો હુસૈન છે.
દુનિયા મો દર'બદર જે ફરે તોયે ના મળે
બીમાર ને શિફા મળે ચાલો હુસૈન છે.
શબ્બીર કાજે મોકલે કપડા ઓ ખુલ્દ થી
માલીકે કાયનાત નો પ્યારો હુસૈન છે.
દિલથી મુરાદ માગો પુરી થાય શાહ થી
લાચાર બે'કસો નો સહારો હુસૈન છે.
દીને ખુદા ની રાહ મો ઘરભર કર્યુ ફીદા
હૈદર નો લાલ સબ્ર નો દર્યો હુસૈન છે.
શબ્બીર ને મિટાવી શક્યો ના યઝીદ તું
આજે ગવાહી આપે છે નારો હુસૈન છે.
તૂફાન મો ફસી છે જે જીવન ની નાવડી
"આબિદ" ને ડર નથી કે સહારો હુસૈન છે.
આબિદઅલી નાંદોલીયા (મેતા)
3
ઝેહરા, અલી ની આંખ નો તારો હુસૈન છે
સરદારે અંબિયા નો દુલારો હુસૈન છે.
ઇન્સાન જ્યારે જાગશે ગફલત ની નીંદ થી
કુલ કાએનાત કહેશે અમારો હુસૈન છે.
મકરો ફરેબ જુઠ નો પયકર યઝીદ છે
સચ્ચાઈ નો બુલંદ મિનારો હુસૈન છે.
એક સર ની માંગણી, ને કરે પૂરું ઘર ફિદા
એવો સખી ને એવો અનોખો હુસૌન છે.
આ દિને મુસ્તફા ના બુલંદ આસમાન પર
ડૂબે કદી ન એવો સિતારો હુસૌન છે.
"મોહસિન" સીના ની નોક થી કુરઆં પડે છે જે
અલ્લાહ ના નબી નો નવાસો હુસૈન છે.
"મોહસિન" "મોમિન" અમદાવાદ.
4
ડૂબે કદી ન એવો સિતારો હુસૈન છે
જગનો બની ને આવ્યો સહારો હુસૈન છે
અહેમદ નબીનો પ્યારો નવાસો હુસૈન છે
મુશ્કિલ કુશા અલી નો એ બેટો હુસૈન છે
ઈસ્લામ ને અનોખી જે આપે છે રોશની
મા ફાતેમા ની આખ નો તારો હુસૈન છે
કુરઆન પણ કરે સના હરદમ હુસૈન ની
અલ્લાહ ની કિતાબ નો પારો હુસૈન છે
તારી સખાવતો નુ શુ વર્ણન કરી શકું
અફઝલ સખાવતો નો તુ દર્યો હુસૈન છે
માંગેલુ સૌ મળે જ છે તારા એ દ્વાર થી
એ કારણે તુ રબનો ખજાનો હુસૈન છે
બોત્તેર ના સરો ની એ ખેતી કરી ગયો
કરબોબલા ના રણ નો બગીચો હુસૈન છે
ઝખ્મો થી ચુર થઈ ને જે સિજદો કરી ગયો
ઉત્તમ બધાથી રબનો એ બંદો હુસૈન છે
તેની કઝા થી કરબલા આબાદ થઈ ગઈ
આપી ગયો જગતને તે તોહફો હુસૈન છે
ઝિક્રે હુસૈન મા રહે આબિદ, તુ હર ઘડી
જન્નત તરફ જવાય એ રસ્તો હુસૈન છે
નોકર બની રહું સદા હયદર ના લાલ નો
આબિદ, નો બસ હવે તો ગુઝારો હુસૈન છે
આબિદ અલી .એચ. મરેડીયા